
વર્ષાની હેલીએ બારડોલીમાં વૃક્ષોની તબાહી મચાવી.


બારડોલી.
સતત 2 દિવસથી મનમૂકીને વરસેલા વરસાદી માહોલમાં બારડોલીમાં અનેક વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ સાથે બારડોલી ફાયર બ્રિગેડ ટીમ અને પાલિકા તંત્ર દોડતું થયું હતું.
એક પછી એક કોલ મળતા બારડોલી ફાયર બ્રિગેડને ભારે ભાગદોડ કરવાની નોબત આવી પડી હતી. બારડોલીના ગાંધીરોડ ઉપર આવેલ જનતા કોમ્પ્લેક્ષની બાજુમાંથી હિદાયત નગર તરફ જતા માર્ગ ઉપર એક તોતિંગ વૃક્ષ જમીનદોસ્ત થઈ જતા માર્ગ ઉપરથી તમામ અવર જવર સંપૂર્ણ બંધ થઈ જવા પામી હતી. શાસ્ત્રીરોડ ઉપર આવેલ પટેલ નગરમાં એક દીવાલ પડી જતા નજીકમાં પાર્ક કરેલી કારને ભારે નુકશાન પહોંચ્યું હતું. સર્વોદય સોસાયટીમાં આવેલી વામદોત શાળા પાસે આવેલ મેદાનમાં લીમડાનું વૃક્ષ તૂટી પડતા વૃક્ષ નજીક ઉભેલા વાહનો દબાઈ ગયા હતા. ગાંધીરોડ ઉપર આવેલ દેસાઈ માર્કેટ નજીક પણ મુખ્ય માર્ગ ઉપર એક વૃક્ષ તૂટી પડ્યું હતું. મૂદીત પેલેસથી શરૂ થતા તુલસી માર્ગ ઉપર આવેલ આંનદ નગર નજીક પણ એક ઝાડ તૂટી પડ્યું હતું. એક પછી એક ઘટનાઓ મુજબ બારડોલીના જનતા નગર મુકામે આવેલ પ્રાથમિક શાળા નજીક એક તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું. બારડોલી નગર પાલિકા સેવા સદન સામેના માર્ગ ઉપર વિશાળ વૃક્ષ ધરાશય થતા બારડોલીમાં આજે સવારથી કુલ 6 વૃક્ષો તૂટી પડવાની તથા એક દીવાલ ધરાશય થવાની ઘટનાના કારણે બારડોલી ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને નગર પાલિકા સ્ટાફ દ્વારા ભારે જહેમત સાથે તૂટી પડેલા વૃક્ષોને માર્ગ ઉપરથી હટાવવાનું કાર્ય શરૂ કરાયું હતું.જોકે તમામ ઘટનાઓમાં કોઈ જાનહાની ન પહોંચતા રાહત અનુભવાય હતી.
