
- *આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના બલાલતીર્થ આહંદિયા દેવ અને આમલિયા ડુંગર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો*
——-
*સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ’ અને ‘અમારા હરિયાળા યાત્રાધામ’ કાર્યક્રમ યોજાયો*
——-
*સુરત:ગુરુવાર:-* આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલાલતીર્થ આહંદિયા દેવ અને ટુકેદના આમલીયા ડુંગર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ કાર્યક્રમનો ઉદ્દેશ યાત્રાધામોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળું પરિસર બનાવી પર્યાવરણ પર થઈ રહેલી ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવાનો છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળે છે ત્યારે તેનાથી બચવા માટે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરી વૃક્ષો વાવવા આહવાન કરે છે. મંત્રીશ્રીએ ‘ક્લીન એન્ડ ગ્રીન યાત્રા ધામ’ કાર્યક્રમ થકી ચૌધરી સમાજના આસ્થાના કેન્દ્ર સમાન આહંદિયા દેવ ડુંગર અને ટુકેદ ગામના આમલિય ડુંગરને વૃક્ષોથી આચ્છાદિત કરવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને આસ્થાના ધામને હરિયાળું બનાવીને પર્યાવરણના સંરક્ષણનો સંદેશો આપ્યો હતો.
આ અવસરે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, આવનારી પેઢીના સારા સ્વાસ્થ્ય માટે વૃક્ષો વાવવા આવશ્યક છે. પર્યાવરણ વિસંગતતાને કારણે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે ત્યારે સમયની માંગ સમજી દરેક વ્યક્તિએ નૈતિક જવાબદારીના ભાગરૂપે ના માત્ર વૃક્ષો વાવવા પણ તેનું નિયમિત જતન કરી તેનો ઉછેર કરે તે પણ જરૂરી બન્યું છે હોવાનું તેમણે કહ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન જશવંતભાઈ, તાલુકા પંચાયતના સભ્ય આતિશભાઈ ચૌધરી, અગ્રણી દિનેશભાઈ, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, મામલતદાર એફ.બી. વસાવા, તાલુકા વિકાસ અધિકારી રવીન્દ્રભાઇ સોલંકી, આર.એફ.ઓ માંડવી, પૃથ્વીરાજ વાઘેલા, સરપંચશ્રીઓ કમલેશભાઈ, ભુપેન્દ્રભાઈ,ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
