
મહુવાના તરસાડી ખાતે ખેતરના કૂવામાંથી મહિલાની લાશ મળી આવી


બારડોલી તા 28
બારડોલી મહુવા રોડ ઉપર આવેલ તરસાડી ગામની સીમમાં એક ખેતર ના કૂવામાંથી35 વર્ષીય મહિલા ની લાશ જોવા મળી આવતા ભારે ચગચાર મચી જવા પામી હતી.
તરસાડી ગામે જીઆઇડીસી વિસ્તાર નજીક થી પસાર થતી નહેર નજીક આવેલા મોહન પટેલ ના ખેતરમાં આવેલા કૂવામાં બપોરના સમયે એક લાશ જોવા મળી હતી. બપોરના એક વાગ્યાના સમય આસપાસ ખેતરમાં કામ કરતાં મજૂરો કૂવામાંથી પાણી કાઢવા ગયા હતા. તેવા સમયે કૂવામાંથી અતિશય દુર્ગંધ આવતી જણાતા તેઓએ કુવામાં નજર કરતા પાણીમાં લાશ જોવા મળી હતી. ખેતર માલિક દ્વારા ગામના ડેપ્યુટી સરપંચ ને જાણ કરાતા બારડોલી ફાયર બ્રિગેડ અને મહુવા પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી બારડોલી ફાયર બ્રિગેડની ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ દ્વારા લાશ ને બહાર કાઢવાના પ્રયત્ન દરમિયાન કુવાના પાણીમાં નીચે લાશને બાંધી હોવાનું જણાતા કૂવામાંથી પાણી ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. ઘટનાના સમાચાર ફેલાતા ભારે લોક ટોળા ભેગા થઈ જવા પામ્યા હતા. જે દરમિયાન પ્રાથમિક અનુમાન મુજબ કુવામાં ડૂબેલી હાલતમાં જણાતી લાશ કોઈ મહિલાની હોવાનું જણાઈ રહ્યું છે. કૂવામાંથી પાણી ખાલી કર્યા બાદ રેસ્ક્યુ ટીમે કુવામાં ઉતરી લાકડા સાથે ઓઢણી બાંધેલી હાલતમાં લાશને બહાર કાઢી પાણીમાં ફુગાઇ ગયેલી લાશની ઓળખ જાણવાના પ્રયત્નો કરતા મહિલા નું નામ રેખા જીતું હળપતિ ઉ. વ.35 રહે. તરસાડી, તા મહુવા હોવાનું જણાયું હતું. દસ વર્ષે પહેલા તેના પતિનું અવસાન થયું હતું. મરનાર મહિલા ગત ચાર દિવસથી પોતાના ઘરેથી ગુમ જણાઈ હતી. કુવામાં થી બાંધેલી હાલતમાં મળેલી લાશ નો કબજો મહુવા પોલીસને સુપ્રત કરાયો હતો. મૃત્યુ બાબતે અનેક તર્કવીતર્ક જ મહુવા પોલીસે મૃતક મહિલાનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજો શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
