
ગુજરાતના નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તે માટે 112 ઇમરજન્સી હેલ્પલાઇન સમગ્ર ગુજરાતમાં શરૂ કરવાની તૈયારી


500 જનરક્ષક PCR વેન ફાળવાશે : અત્યાર સુધી સાત જિલ્લામાં 1.49 કરોડ કોલ્સને સફળ પ્રતિસાદ
ગાંધીનગર, : માર્ચ, 2025: ગુજરાતના નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તે હેતુથી વર્ષ 2019માં શરૂ કરાયેલી 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇનને હવે સમગ્ર રાજ્યમાં વિસ્તારવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ હેલ્પલાઇન નંબર દ્વારા સ્વાસ્થ્ય, પોલીસ, અગ્નિશામક, મહિલા અને બાળ વિકાસ તેમજ આપદા વ્યવસ્થાપન જેવી સેવાઓને એકીકૃત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંકા ગાળામાં આ સેવાને રાજ્યવ્યાપી અમલી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરથી રિયલટાઇમ મોનિટરિંગ:
આ ઇમરજન્સી સેવાને સમગ્ર રાજ્યમાં અસરકારક બનાવવા માટે એકીકૃત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે. આ સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓમાં રિયલટાઇમ મોનિટરિંગ શક્ય બનશે. જિલ્લા કક્ષાએ પણ આ સેવાઓનું સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરી શકાશે. ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ વધારીને સરકાર આ સેવાને વધુ સશક્ત બનાવવા માટે પ્રયાસો કરી રહી છે.
500 જનરક્ષક PCR વેન અને કર્મચારીઓની તાલીમ:
ગુજરાતના છેવાડાના નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે 500 જનરક્ષક PCR વેન તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે. આ ઉપરાંત, ઇમરજન્સી રિસ્પોન્સ સાથે જોડાયેલા પોલીસ અને અન્ય કર્મચારીઓને ડિજિટલ અપડેશન અને રિયલટાઇમ રિસ્પોન્સ માટે જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.
સાત જિલ્લામાં 1.49 કરોડ કોલ્સને સફળ પ્રતિસાદ:
19 ફેબ્રુઆરી, 2019થી કાર્યરત આ સેવા હેઠળ અત્યાર સુધી ગુજરાતના સાત જિલ્લાઓ – ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં 1.49 કરોડથી વધુ કોલ્સને સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે. આમાંથી 69,477 કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. હાલમાં આ સાત જિલ્લાઓમાં એવરેજ પોલીસ રિસ્પોન્સ ટાઇમ 26 મિનિટ અને 59 સેકન્ડનો રહ્યો છે.
આ યોજના સમગ્ર રાજ્યમાં અમલમાં આવતાં નાગરિકોને વધુ સારી અને ઝડપી ઇમરજન્સી સેવાઓ મળી શકશે તેવી આશા છે.
