
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠક પરથી હાર્દિક પટેલનો ભવ્ય વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલાં ચિત્ર અલગ જ હતું. પરંતુ વિરમગામની જનતાએ હાર્દિક પટેલ પર પસંદગનો કળશ ઢોળ્યો છે. ઉલ્લેખનીય છે કે, મતદાનના એક દિવસ પહેલાં જ વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં પાસના કાર્યકરોએ હાર્દિક પટેલને સપોર્ટ ન કરવાના બેનરો લગાવ્યા હતા, છતાંય આ બધા વચ્ચે હાર્દિકે 50 હજાર મતથી વધુની લીડથી ભવ્ય વિજય મેળવ્યો.
કોને કેટલા મત મળ્યાં?
હાર્દિક પટેલે 98,627 મત મેળવીને ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે તેની સામે કોંગ્રેસના લાખાભાઈ ભરવાડને 42,412 મત અને આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોરને 47,042 મત મળ્યા છે. આમ 51,585 મતની લીડથી વિજય મેળવ્યો છે.
આ પણ વાંચોઃ
આ 10 પોપ્યુલર નેતાઓનો વટ દાવ પર લાગ્યો તો, જાણો પરિણામ શું આવ્યું
News18ગુજરાતી
હાર્દિક પટેલને મંત્રીપદ મળશે?
ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે આગામી સરકારમાં ભાજપના સૌથી યુવાન ચહેરા એટલે કે હાર્દિક પટેલને મંત્રી બનાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. કારણ કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો તે પહેલાં અનેક બેઠકો કરવામાં આવી હતી. જેમાં ઘણી વાટાઘાટો થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તેટલું જ નહીં, હાર્દિક પટેલને ભાજપમાં લાવવા માટે ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલે પણ બહુ મોટો ભાગ ભજવ્યો હતો. ત્યારે હવે જોવાનું રહેશે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલને મંત્રીપદ આપવામાં આવે છે કે નહીં.
હાર્દિક પટેલ કોણ છે?
અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભા બેઠક પર 29 વર્ષીય હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર છે. હાર્દિક પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હતો. તેણે 2015માં અમદાવાદમાં મોટી સંખ્યામાં પાટીદારોને એકઠા કરી આંદોલન રણશિંગુ ફૂંક્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં આંદોલને જોર પકડ્યું હતું. આંદોલનમાં પાટીદારના 14 યુવાનનાં મૃત્યુ થયાં હતાં. હાર્દિક પટેલના પાટીદાર આંદોલનની અસર 2017ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી અને ભાજપે ઘણી સીટો ગુમાવી હતી. ત્યારપછી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો અને પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયો હતો. અંતે તેણે જીત મેળવી લીધી છે.
આ પણ વાંચોઃ
‘સિર્ફ નામ હી કાફી હૈ’ એવા બે દબંગ નેતાઓની જીત, એકની હાર થઈ!
ચાર દિવસ પહેલાં હાર્દિક વિરુદ્ધ બેનર લાગ્યાં હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ગણતરીના કલાકો બાકી હતા, ત્યારે મતદાનના એક દિવસ પહેલાં જ વિરામગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો. વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ વિસ્તારની અંદર બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો હતો. ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’, ‘હાર્દિક જાય છે’, ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં’ તેવાં અલગ અલગ સૂત્રો લગાવેલાં બેનરો હાલમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાં લગાવવામાં આવ્યાં છે.
હાર્દિક પટેલ વિરુદ્ધમાં સૂત્રો લખેલાં બેનરો
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા થોડા દિવસ પહેલાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો દ્વારા સમાજના ગદ્દાર હાર્દિક પટેલનો વિરમગામમાં વિરોધ કરવામાં આવશે. ત્યારે મતદાનના એક દિવસ પહેલાં વિરમગામની અંદર હાર્દિક પટેલ વિરુદ્ધમાં સૂત્રો લખેલાં બેનરો લગાવવામાં આવ્યાં હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન નિલેશ એરવડિયાએ થોડા દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, ‘પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરી અને જે ઓબીસીની મુખ્ય માંગણી હતી તેની જગ્યાએ 10% ઈબીસીની લોલીપોપ પકડાવી અને પોતે આ અપાવ્યું હોવાની વાત કરે છે જે ખોટી છે. લાખો પાટીદાર યુવાનો રોડ ઉપર ઊતર્યા હતા અને તેમની સામે કેસ થયા હતા.’
હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું કેમ આપ્યુ હતુ?
હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે, ‘દરેક માણસની આકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ.જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતા કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ભાજપને ગાળો આપી, હવે ઘરનો દીકરો મા-બાપ પાસે માગણી કરે છે. રાજ્ય સરકાર પાસે માગણી કરે છે. સત્તા સામે લડ્યો છું. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને.’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર


