
ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )


રાજ્યમાં બોર્ડની પરીક્ષામાં માત્ર ૩૨ વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા….?
ગુજરાત રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૯૨ ટકા ઓછા કેસ, ગત વર્ષે ૩૯૪ કોપી કેસ નોંધાયા હતા : ચાલુ વર્ષે ૪ ડમી વિદ્યાર્થી, ૫ વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે પકડાયા અને ૨૩ સામે કોપી કેસ નોંધાયા.
અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં ચાલુ વર્ષે માત્ર ૩૨ કોપી કેસ જ સામે આવ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કોપી કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન ૩૯૪ કોપી કેસ નોંધાયા હતા. જ્યારે આ વખતે ૯૨ ટકાના ઘટાડા સાથે માત્ર ૩૨ કેસ જ સામે આવ્યા છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા કોપી કેસમાં ૫ વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે જ્યારે ચાર ડમી વિદ્યાર્થી પણ પકડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ચાલુ વર્ષે માત્ર ૩૨ વિદ્યાર્થીઓ જ કોપી કરતા પકડાયા હોવાની વિગતો સામે આવી છે. ભૂતકાળમાં એક પેપરમાં આટલા કોપી ક્રોસ નોંધાયા હતા, જેની સામે હવે સમગ્ર બોર્ડની પરીક્ષામાં આટલી ઓછી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. શિક્ષણ બોર્ડની પરીક્ષામાં આ વખતે ધોરણ-૧૦માં ૧૨ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધાયા છે.
જેમાં દાહોદ અને અમરેલી ખાતે એક-એક ડમી વિદ્યાર્થી પકડાયા હતા. જ્યારે જૂનાગઢ અને સુરેન્દ્રનગર ખાતે એક-એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે પકડાયા હતા. જ્યારે ૮ વિદ્યાર્થીઓ કાપલી સાથે કોપી કરતા પકડાયા હતા. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૭ કોપી કેસ નોંધાયા છે, જેમાં દાહોદ અને બનાસકાંઠામાં ડમી વિદ્યાર્થી પકડાયા હતા. જ્યારે ભાવનગરમાં ૨ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા હતા. આ ઉપરાંત ૧૩ કોપી કેસમાં પાટણમાં એક સાથે ૭ વિદ્યાર્થી કોપી કરતા પકડાયા હતા. ધોરણ-૧૨ સાયન્સમાં ગાંધીનગર ખાતે એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો હતો જ્યારે ૨ વિદ્યાર્થીઓ કોપી કરતા જણાયા હતા. આમ, સાયન્સમાં કુલ ૩ કોપી કેસ નોંધાયા હતા. આમ, સમગ્ર પરીક્ષા દરમિયાન ૪ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા પકડાયા હતા.
જ્યારે ૫ વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન સાથે અને ૨૩ વિદ્યાર્થી કોપી કરતા પકાડાયા છે.
ગત વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન ૩૯૪ વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જેમાં ધોરણ-૧૦માં ૧૩૮ વિદ્યાર્થી, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૩૮ અને ધોરણ-૧૨ સાયન્સમાં ૧૮ વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. જોકે, આ વખતે ૯૨ ટકાનો ઘટાડો થયો છે અને માત્ર ૩૨ કેસ જ સામે આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પ્રવેશ મળતું હોવાથી તેમજ બોર્ડની પરીક્ષાનું મહત્વ ઘટાડી દેવાતા હવે વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામાં ધ્યાન કેન્દ્રીત કરતા ન હોવાથી કોપી કેસ સહિતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હોવાનું મનાય છે.(૪૦.૩)
CCTV ફૂટેજની ચકાસણીમાં વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાશે તો પગલાં
દર વર્ષે બોર્ડની પરીક્ષા વખતે કોપી કરતા પકડાયેલા વિધાર્થીઓ કરતા CCTV ફૂટેજની ચકાસણી વખતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાતા હોય છે. ગત વર્ષે પણ ધોરણ-૧૦ની પરીક્ષામાં કોપી કરતા ૧૩૮ વિદ્યાર્થી પકડાયા હતા, પરંતુ ત્યારબાદ ફૂટેજની ચકાસણી કરતા ૪૦૦ કેસ સામે આવતા તેમના પરિણામ અટકાવવામાં આવ્યા હતા. આમ, આ વખતે પણ ફૂટેજની ચકાસણી વખતે કોપી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની પૂરી શકયતા છે.
