
કણાવ પ્રાથમિક શાળાની કાવ્યા પટેલે રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું


પલસાણા: કણાવ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કાવ્યા રજનીકાંતભાઈ પટેલ(ગોદાવાડી)એ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને યવૂયક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2025માં લગ્ન ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળા અને પંથકનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 4માં અભ્યાસ કરતી કાવ્યાએ જિલ્લા કક્ષાએ પ્રથમ, દક્ષિણ ગુજરાત કક્ષાએ પ્રથમ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સિદ્ધિ હાંસલ કરી છે.
તેને યાના ભાવેશભાઈ પટેલ (કણાવ પ્રાથમિક શાળા), અર્પિતાકુમારી સુરેશભાઈ રાઠોડ (મલેકપોર પ્રાથમિક શાળા) અને શગુન લલિત પાંડે (પલસાણા પ્રાથમિક શાળા) જેવા સહાયકોનો સાથ મળ્યો હતો. ઢોલક સહાયક તરીકે વિપુલભાઈ બુઢિયાભાઈ હળપતિ (વંઝોળિયા તા. પલસાણા)એ સેવા આપી હતી. કાવ્યાના પિતા રજનીકાંતભાઈ પલસાણા તાલુકામાં સી.આર.સી. છે અને માતા ઝરણામતીબેન કણાવ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષિકા છે. સરકારી શાળા સાથે સંકળાયેલા પરિવારની દીકરી કાવ્યાએ સરકારી શાળામાં જ અભ્યાસ કરીને આ સિદ્ધિ મેળવી છે. કાવ્યાની આ ભવ્ય જીત બદલ ચારે તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
