
*રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે મીડિયાકર્મીઓ માટે ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ શુભારંભ કરાવ્યો
*મીડિયા પ્રતિનિધિઓની આરોગ્યની સંભાળ લેવા માટે સરકારની રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપની પહેલ સરાહનીય છે: મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી*
*ચેલેન્જીંગ જોબ કરતા માધ્યમકર્મીઓની સમયાંતરે સ્વાસ્થ્યની તપાસ અગત્યની છે: સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી*
——


સુરત:સોમવાર: રાજ્ય સરકાર, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-ગુજરાત’ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે સુરતમાં બે દિવસીય ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ અંતર્ગત નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ’નો મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના હસ્તે સુરત સર્કિટ હાઉસ ખાતેથી શુભારંભ કરાયો હતો. આજે જુદા-જુદા પ્રકારના બ્લડ રિપોર્ટ, એક્સ-રે, ઈ.સી.જી. રિપોર્ટ કરાયા હતા. ઉપરાંત, તા.૩ ડિસે.ના રોજ પણ મીડિયાકર્મીઓ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન નિ:શુલ્ક રિપોર્ટ કરાવી શકશે.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે, લોકોને પળેપળની ખબર આપતા સમાજના પ્રહરીઓ સમાન મીડિયાના મિત્રો રાતદિવસ ફિલ્ડ પર ફરજ બજાવતા હોય છે. રાજકીય નેતાઓ-જનપ્રતિનિધિઓ અને મીડિયાકર્મીઓ એક સિક્કાની બે બાજુ છે અને કાર્યની વ્યસ્તતાના કારણે તેમની જીવનશૈલી અનિયમિત રહે છે. મીડિયા પ્રશાસનની ઉજળી બાજુ સમાજ સામે રાખે છે અને પ્રશાસનની ભૂલ થાય ત્યારે અરીસો પણ બતાવે છે, ત્યારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે રાજ્ય સરકારના માહિતી વિભાગ અને રેડક્રોસ દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવેલી હેલ્થ ચેકઅપની આ પહેલ સરાહનીય છે. આ ઉપક્રમમાંથી પ્રેરણા લઈ સુરત મહાનગરપાલિકા પણ આવનારા દિવસોમાં મીડિયા હેલ્થ ચેક અપનું આયોજન થાય એ દિશામાં પ્રયાસો કરશે એમ મેયરશ્રીએ જણાવ્યું હતું.
દક્ષિણ ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સુશાસનના ૨૩ વર્ષની પૂર્ણતાના અનુસંધાને રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતા દ્વારા લોક પ્રશ્નોને વાચા આપતા મીડિયાકર્મીઓ માટે ગત ઓક્ટોબર માસમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘ફીટ ઇન્ડિયા- ફીટ મીડિયા’ કેમ્પેઈનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે રાજયના તમામ જિલ્લાઓમાં આ પ્રકારના કેમ્પનું આયોજન કરાયું છે. સતત ચેલેન્જીંગ જોબ કરતા પત્રકારોના રોગનું નિદાન થાય તો સમયસર સારવાર થઈ શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી આયોજિત કરાયેલા આ કેમ્પનો લાભ લેવા તેઓએ અનુરોધ કર્યો હતો.
રેડક્રોસના માનદ્દ મંત્રી ડો.મુકેશ જગીવાલાએ જણાવ્યું હતું કે, રેડક્રોસ માત્ર રક્તદાન, બ્લડબેંક સુધી જ સીમિત નથી, પરંતુ થેલેસેમિયા જાગૃત્તિ, પેથોલોજી લેબ, ફિઝીયોથેરાપી સેન્ટર્સ, ડેન્ટલ ક્લિનિક, પી.એમ. જનઔષધિ કેન્દ્રો, પ્રાથમિક સારવાર તાલીમ, યુથ અને જુનિયર રેડક્રોસ, આપત્તિ વ્યવસ્થાપન અને મદદના ક્ષેત્રમાં પણ સતત કાર્યરત છે. રેડ ક્રોસ અને મીડિયાકર્મીઓ બંને સમાજ માટે કામ કરે છે. લોકશાહીનો ચોથો સ્થંભ મજબૂત અને સ્વસ્થ રહે તે ખૂબ જરૂરી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ સુરતના સારોલી ખાતે રેડક્રોસનું નવું ભવન બનાવવા માટે જમીન ફાળવી છે, જેનાથી રેડક્રોસના જનસેવાના પ્રકલ્પોને વેગ મળશે એમ ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના “ફીટ ઇન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત “ફીટ ઇન્ડિયા, ફીટ મીડિયા” થીમ સાથે આ કાર્યક્રમનું આયોજન રાજ્યના તમામ જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે. હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ કાઉન્ટ,બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન,લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન ટેસ્ટ,સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ, હાડકા માટે કેલ્શિયમ વગેરે ટેસ્ટ, થાઇરોઇડ માટે હાર્મોનલ ટેસ્ટ (TSH). આ ઉપરાંત વિટામિન બી૧૨, વિટામીન ડી, ડાયાબિટીસ માટેના ટેસ્ટ, ૫૦ થી વધુ ઉંમરના પુરૂષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ, ૩૫ થી વધુ ઉમરના માટે ચેસ્ટ એક્સ રે(PA view), ઈસીજી (ECG ) તથા ૩૫ થી વધુ ઉમરની મહિલાઓ માટે કેન્સરને લગતી મેમોગ્રાફી ટેસ્ટ તથા સર્વાઇકલ કેન્સરને લગતી PAP smear ટેસ્ટ જેવા પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં રેડક્રોસ-સુરત બ્રાંચના ચેરમેન જિગ્નેશ શાહે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવો અને મીડિયા પ્રતિનિધિઓને આવકાર્યા હતા અને રેડક્રોસના ચોર્યાસી તાલુકા શાખાના ચેરમેન ડો.પ્રફુલભાઈ શિરોયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે કામરેજ બ્રાંચ ચેરમેન હિતેશગીરી ગોસ્વામી, હોમગાર્ડના સેકન્ડ કમાન્ડન્ટ ડો.પ્રણવ ઠાકર, મેડિકલ ઓફિસર ડો. જિજ્ઞેશ પટેલ, ટ્રેનિંગ ઓફિસર મેહુલ મોદી, નાયબ માહિતી નિયામકશ્રી યુ.બી.બવીસા, સહાયક માહિતી નિયામકશ્રી એમ.એમ. વેકરીયા, માહિતી વિભાગ અને રેડક્રોસના અધિકારીઓ, પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-
