
બારડોલીના કેસરકુંજમાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટમાં વીજ જોડાણ મેળવવા મથતા બિલ્ડરને આખરે નિષ્ફળતા મળી.


ગત લાંબા સમયથી વિવાદમાં ચર્ચાતા બારડોલીના ગાંધીરોડ ઉપર આવેલ કેસરકુંજ સોસાયટીના ગેરકાયદેસર બંધાયેલા એપાર્ટમેન્ટમાં વીજ જોડાણ મેળવવા મથતા બિલ્ડર નીતિન રાણા આણી મંડળીને સતત બીજીવાર નિષ્ફળતા મળી હતી.
બારડોલીના કેનાલ રોડ ઉપર અડીને આવેલ કેસરકુંજ સોસાયટીમાં સર્વે નં.42/16 ના કોમન પ્લોટ ઉપર બિલ્ડર દ્વારા કાયદાની અવગણના કરી 9 માળનું એપાર્ટમેન્ટ ખડકી દેવાયું હતું. આ પ્લોટ કેસરકુંજ સોસાયટીનો કોમન પ્લોટ હોવા સાથે નગર પાલિકાના સૂચિત ટી.પી સ્કીમ નં.3નો અનામત 184 એન.એચ.સીનો પ્લોટ જણાયો છે. ગેરકાયદેસર બંધાયેલા એપાર્ટમેન્ટ બાબતે સ્થાનિક રહીશોએ કરેલી ફરિયાદ બાદ SIT ની નિમણૂક કરાઈ હતી. જિલ્લા કલેકટરને રિપોર્ટ કરતા કરાયેલી તપાસ દરમિયાન સોસાયટીના રહીશોની રજુઆત સાચી ઠરી હતી. 2016ના વર્ષમાં બિલ્ડર દ્વારા વીજ કંપનીમાં વીજ જોડાણ માટે અરજી કરાઈ હતી. પરંતુ સોસાયટીના રહીશો દ્વારા રજૂ કરાયેલી વાંધા અરજી સાથે જોડાણ અપાયું ન હતું. ગમે તે રીતે વીજ જોડાણ મેળવવા ઇચ્છતા બિલ્ડર નીતિન રાણાએ જુલાઈ 2024માં હંગામી મીટરની માંગણી કરી હતી. આશ્ચર્ય વચ્ચે વીજ કંપનીએ જોડાણ ફાળવી દીધુ હતું. ફરી એકવાર રહીશોએ પુરાવા રજૂ કરતા વીજ કંપની દ્વારા મીટર પાછું લઈ જવામાં આવ્યું હતું. આ સમયે દક્ષિણ વીજ ગુજરાત કંપની દ્વારા કેસરકુંજ સોસાયટીના પ્રમુખ રાકેશ ગાંધીને નોટિસ પાઠવી જણાવ્યું હતું. કે નિયમ મુજબ ઇન્ડેક્સની નકલ અને આધારનો પુરાવો લઈ વીજ જોડાણ આપવાનું થાય છે. જો આ કાર્યવાહી અટકાવવી હોય તો 15 દિવસમાં કોર્ટ રાહે મેળવેલ સ્ટે રજૂ કરવા જણાવ્યું હતું. વળતી દલીલ મુજબ જો SIT નગર પાલિકા તંત્ર, પ્રાંત કચેરી સહિત ખુદ જિલ્લા કલેકટર દ્વારા પૂરતી તપાસના અંતે કહેવાતા એપાર્ટમેન્ટને ગેરકાયદેસર બાંધકામ ઠેરવ્યું હોય તેવા સંજોગોમાં કોર્ટના સ્ટે હુકમની જરૂર શુ કામ રહે છે. ? જોકે આ બાબતે ઔપચારિક ટેલિફોનિક ચર્ચા દરમિયાન DGVCLના બારડોલીના મુખ્ય અધિકારીએ ફેરવી તોડતા મીટર અપાશે નહિ મુજબની વાતો કરતા ફરી એકવાર કેસરકુંજના રહીશોનો બિલ્ડર વિરુદ્ધના દાવાનો વિજય થયો હોવાનું જણાયું છે.
