
તેન ગ્રા.પં.ના મહિલા સરપંચ વિરુદ્ધ આપખુદ શાહી અને ગેરરીતિની ફરિયાદ કરતું આવેદન અપાયું.


બારડોલી તાલુકાની તેન ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ પદે ચૂંટાયેલા રીના ચૌધરી વિરુદ્ધ પંચાયતના સાશનમાં મનસ્વી વર્તણુક, ગેરરીતિ તથા આપખુદ વલણ રખાતું હોય તેવી રજુઆત સાથે ગ્રામપંચાયતના અન્ય સદસ્યોએ બારડોલી તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતું લેખિત આવેદન આપ્યું હતું.
આજરોજ તેન ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ સંજય ચૌધરી તથા અન્ય સભ્યોએ બારડોલી તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ સેવકને સામુહિક સ્વરૂપે રજુઆત કરી હતી. આગામી 31 ઓગસ્ટના દિવસે ગ્રામપંચાયતની યોજાનારી સામાન્ય સભામાં સરપંચ અને તલાટીએ કાઢેલા એજન્ડાના કામો બાબતે અન્ય સદસ્યોને લેખિત માહિતી આપવાનું જણાવતા રજુઆત કરી હતી. કે આગામી સામાન્ય સભામાં આવક, જાવકના હિસાબ વાંચનમાં લઈને મંજુર કરાવવાનો ઠરાવ હોવા છતાં હિસાબોની કોઈ પણ પ્રકારની જાણકારી સાથી સદસ્યોને આપવામાં આવી નથી. આ મામલે જો માહિતી પૂરી પાડવામાં ન આવે તો હિસાબ મંજુર કરાશે નહિ મુજબ જણાવ્યું હતું. સાથી સદસ્યોને વાંચનમાં લેનારી વિવિધ અરજીઓ બાબતે પણ માહિતગાર કરાયા નથી. વધુમાં સરપંચ અને તલાટીએ પંચાયતના સ્વ ભંડોળમાંથી વિકાસની કાર્યસુચિ દર્શાવી છે. પરંતુ વિકાસના કયા કયા કામો કરવાના છે. તે બાબતે અન્ય સભ્યો અજાણ છે. સરકારી યોજનાના કામો, સ્વભંડોળના કામો, નાણા પંચના કામો, પંચાયતના કામો, ધારાસભ્ય કે સાંસદ સભ્યની ગ્રાન્ટના બાકી બિલોની ચુકવણી બાબતે પણ સાથી સભ્યોને માહિતી પૂરી પડાઈ નથી. સભામાં અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનાર કામોની યાદી પણ અપાઈ નથી તેવા તબક્કે જો સામાન્ય સભા પૂર્વે સાથી તમામ સભ્યોને ઉપરોક્ત તમામ માહિતી નહિ અપાઈ તો એજન્ડાના તમામ કામો નામંજૂર કરાશે મુજબની ચીમકી અપાઈ હતી. આ બાબતની સંપૂર્ણ જવાબદારી ગ્રામપંચાયતના સરપંચ અને તલાટીની રહેશે અને અરજદાર સભ્યોની મંજૂરી ગણાશે નહિ મુજબ જણાવતા ડેપ્યુટી સરપંચ સહિત વિવિધ 6 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને દખલ કરી માહિતીઓ પુરી પાડવા જણાવ્યું હતું.
