
બારડોલી એસ.ટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતી મહિલા કંડક્ટરે કરેલી આત્મહત્યા બાદ વધુ એક સરકારી કર્મચારીએ આત્મહત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કામરેજના ઘલુડી ખાતે હેડ કવોટર્સમાં 15 દિવસ પહેલા જ ફરજ ઉપર આવેલા 31 વર્ષીય હેડ કોન્સ્ટેબલે પોલીસ લાઈનના કવોટર્સમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.જાણવા મળતી માહિતી મુજબ આઈ.જી ઓફિસમાંથી બદલી પામી છેલ્લા 15 દિવસથી કામરેજના ઘલુડી હેડ કવોટર્સ ખાતે ફરજ ઉપર આવેલા હેડ કોન્સ્ટેબલ સુધીર બાજીરાવ પાટીલ ઉ.વ 31 રહે. અતુલી ગામ, તા-નિઝર, તાપીનાઓ છેલ્લા 2 વર્ષથી ઘલુડી હેડ કવોટર્સ પોલીસ લાઈનમાં રહેતા હતા. પોલીસ લાઈનમાં રહેતા સુધીર પાટીલનું પરિવાર છેલ્લા 3 દિવસથી પોતાના ગામ નિઝર ગયું હતું. દરમિયાન સુધીર પાટીલે એકલતાનો લાભ લઇ અગમ્ય કારણોસર પોતાના કવોટર્સના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. નિઝર ગયેલ પરિવાર પરત ઘલુડી આવ્યો હતો. અને રૂમનો દરવાજો અંદરથી બંધ હોઈ ઘણો પ્રયાસ કરવા છતાં સુધીર પાટીલે દરવાજો નહિ ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરના રૂમમાં સુધીર પાટીલ ગળે ફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘલુડી ખાતે પહોંચી તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જે સ્યુસાઇડ નોટમાં કોઈના કારણે નહિ પરંતુ વ્યક્તિગત કારણોસર આત્મહત્યા કરવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલ કામરેજ પોલીસે મરનાર હેડ કોન્સ્ટેબલ સુધીર પાટીલના મૃતદેહનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી પી.આઈ એ.ડી.ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.


