
બારડોલી BAPS સ્વામિનારાયણ મંદિરના ત્રીદશાબ્દિ મહોત્સવ નિમિત્તે “જીવન જીવવાની કળા” વિષયક પારાયણનું ભવ્ય આયોજન*


બારડોલી: BAPS સ્વામિનારાયણ મંદિર, બારડોલીના ત્રીદશાબ્દિ મહોત્સવ નિમિત્તે”જીવન જીવવાની કળા” વિષય પર તા. ૧૫, ૧૬, ૧૭ માર્ચ દરમિયાન પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સારંગપુર થી પધારેલા વક્તા સંત પૂજ્ય જ્ઞાનનયન સ્વામી(વેદાંતાચાર્ય, PhD)એ ઉપસ્થિત હરિભક્તોને જીવન જીવવાની કળા અંગે ભારતીય શાસ્ત્રો અને ભારતીય પરંપરાના ઉદાહરણો દ્વારા ઊંડી સમજ આપી.
તેમણે સમજાવ્યું કે આ દેહમાં આપણે મહેમાન છીએ. જ્યા સુધી દેહને પોતાનું સ્વરૂપ માનશું, ત્યાં સુધી આપણું જીવન સંકટોથી ભરેલું રહેશે. પરંતુ જ્યારે આપણે આત્મા, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપને સમજીને જીવન જીવીશું અને “અક્ષરં અહમ્ પુરુષોત્તમ દાસોસ્મિ” મંત્રને ધારણ કરીશું, ત્યારે સુખમય અને શાંત જીવન શક્ય બનશે.
જીવનમાં કર્તવ્યો નિભાવવાની સાથે આત્માનું અનુસંધાન રાખવું જરૂરી છે. ભગવાન જે કરે તે હંમેશા ભલા માટે જ હોય છે. સારા કર્મનું સારું ફળ અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે, પણ પરમાત્માની શરણાગતિ વિના કર્મના બંધનમાંથી મુક્તિ શક્ય નથી.
સાચા સંતો અને ભગવાનની કૃપા દ્વારા જ જીવનનો પરમ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકાય. આ રીતે પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ જીવનને સુખમય અને શાંત બનાવવાના આધ્યાત્મિક સિદ્ધાંતો પર પ્રકાશ પાડ્યો અને ધાર્મિક જીવનના મૂળભૂત સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવ્યા. આ પારાયણમાં શહેરના અનેક મહાનુભાવો તથા ૧૧૦૦ થી વધુ મુમુક્ષુ ભક્તોએ દરરોજ ખૂબ સારી રીતે લાભ લીધો હતો. સાકરી મંદિર થી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશિષ્ટ પારાયણ દ્વારા આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માર્ગે ચાલવા માટે સર્વેને પ્રેરણા મળી.
પારાયણના અંતિમ દિવસે સાંકરી મંદિરના કોઠારી પૂજ્ય પુણ્યદર્શન સ્વામીએ પ્રેરણા વચનોનો લાભ આપી, પારાયણમાં ઉપસ્થિત મહાનુભવોનું હારતોરા દ્વારા અભિવાદન કર્યું અને પૂજ્ય ધ્યાનજીવન સ્વામીએ આભાર વિધિ દ્વારા પારાયણ નું સમાપન કર્યું હતું
– BAPS સ્વામિનારાયણ મંદિર, બારડોલી
–
