
સુરત જિલ્લામાં પોલીસે ડુપ્લિકેટ ઈનો બ્રાન્ડના સોડા બનાવવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે કુલ 4 લોકોની ધરપકડ કરી છે અને 10.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ઘલુડી ગામની હદમાં પીનલ રેસીડેન્સીના એક ઘરમાં ઈનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઈનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃતિ ચાલતી હતી. જેને લઈને એલસીબી પોલીસ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નબર-118ના ગોડાઉનમાં દરોડો પાડીને તપાસ કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા ઈનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતા રંગે હાથ સ્થળ ઉપરથી મશીનરી તથા પેકિંગના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.પોલીસ તપાસમાં ડુપ્લિકેટ ઈનો બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલો જથ્થો ઘલુડી ગામે પીનલ રેસીડેન્સીમાં મકાન ભાડે રાખી માણસો દ્વારા બોક્ષમાં પેકિંગ કરાવી સપ્લાય કરાતો હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી પોલીસે ઘલુડી સ્થિત પીનલ રેસીડેન્સીમાં પણ રેડ કરી ત્યાંથી બીજા બે ઇસમોને ડુપ્લિકેટ ઈનો બ્રાન્ડના સોડા, મંગલદીપ અગરબતી તથા વિટ હેર રીમુવેબલ ક્રિમના ડુપ્લિકેટ માતબર જથ્થા સાથે ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબજે કરી આ મામલે ઓથોરાઈઝ અધિકારી દ્વારા ફરિયાદ આપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવમાં પોલીસે દીપક ઓધવજીભાઈ વઘાસીયા, શબ્બીરભાઈ નજુભાઈ બેલીમ, જગદીશભાઈ પારસમલજી માલી, અને વિજયરાજ મીઠારામ માલીની ધરપકડ કરી હતી. જ્યારે અમદાવાદ ખાતે રહેતા જલદીપભાઈ રામી અને ક્રિષ્ના જયસ્વાલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઈનો પાઉચ પેકિંગ કરવા માટેનું એસેમ્બલ પેકેજીંગ મશીન, પાઉચ માટેનું એર મશીન, ઈનો પેકિંગ રોલ, ઈનો પાવડર બનાવવા કાચો મટીયલ્સ 300 કી.ગ્રા. સેલોટેપ રોલ, ઈનો ભરેલા પાઉચના કોથળા 13 નંગ, ઈનો પાઉચનો વેસ્ટ સમાન કોથળા તથા અન્ય સામગ્રી, ઈનો ભરેલા પાઉચના કુલ્લે 17,340 પાઉચ, કન્ટ્રીન્યૂસ બેન્ડ સેલર કંપનીનું સીલીંગ મશીન, વીટ હેર રીમુવલ ક્રીમ જે 5 કાર્ટુનમાં ભરેલા હતા અને મંગલદીપ અનુશ્રી અગરબત્તી મળી કુલ 10,34,682 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા તમામ ઈસમો અલગ અલગ મશીનરીઓનો ઉપયોગ કરી ખાવાના સોડા સાઈટ્રિક એસિડ, લેમન ફ્લેવર અને મીઠાનો ઉપયોગ કરી આ નકલી ઇનો બનવતા અને તૈયાર પેકિંગ કરી બજારમાં વેચતા હતા. છેલ્લા 15-20 દિવસથી આ કારખાનું ધમધમતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ તો પોલીસે કંપનીના ઓથોરાઈઝ અધિકારીની ફરિયાદ લઇને આ ગુનામાં કેટલા ઈસમો સંડોવાયેલા છે, કેટલી નકલી પ્રોડક્ટનું વેચાણ કર્યું અને એ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
