
કડોદમાં ખપ્પર જોગણી માતા મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવથી સંપન્ન.


બારડોલી : બારડોલી તાલુકાના કડોદ ગામના માહ્યાવંશી મહોલ્લામાં ખપ્પર જોગણી માતા મંદિરમાં તારીખ 19 અને 20 ફેબ્રુઆરીના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં હોમ-હવનનું પણ આયોજન કરાયું હતું. પ્રથમ દિવસે ગણેશ સ્મરણ બાદ જલયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. ત્યારબાદ કુટીર હોમ અને રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસે પ્રતિષ્ઠાની શરૂઆત થઈ હતી. જેમાં દેવ સ્નપન અને શિખર સ્નપન, ધાન્ય દિવસ, અને કર્મ પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું આયોજન થયું હતું. મહોત્સવના ભાગરૂપે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક કલાકારોએ ભક્તિ સંગીતની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો અને ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કડોદ ગામમાં આ મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
