
મારી ભાષા મારુ ગૌરવ અંતર્ગત શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કુલ, મોતામાં માતૃભાષા દિવસની અનોખી ઉજવણી. *”સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી* ”


શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતામાં તારીખ ૨૧- ૦૨ -૨૫ ને શુક્રવારના રોજ વિશ્વ માતૃભાષા દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી. જેમાં સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા પટાંગણમાં સુંદર ભાવવરણ સર્જાયુ હતું. વિવિધ પ્રકારના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગુજરાતી શ્રેષ્ઠ સાહિત્યકારોનો પાત્ર પરિચય, ગુજરાતી ભાષાનું મહત્વ , ગરબો , કાવ્ય પઠન,એક પાત્રીય અભિનય, સંવાદ ,ગુજરાતી ગીત, લોકવાર્તા, દોહા છંદ ચોપાઈ, અભિનય ગીત, ગુરુ વંદના જેવા કાર્યક્રમો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનો રસાસ્વાદ કરાવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે માતૃભાષા સજ્જતા અને સંવર્ધન કાર્યશાળા નિમિત્તે ૨૦ દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ગુજરાતીના શિક્ષક શ્રી કમલેશભાઈ રાઠોડે વિદ્યાર્થીઓને જોડણી, વાર્તા ,કવિતા, ભાષા ધ્વનિ અને વ્યાકરણના વિવિધ પાસાઓની સમજૂતી આપી હતી. વળી સુંદર સંયોગ એ સર્જાયો હતો કે માતૃભાષા સજ્જતા અને સંવર્ધન કાર્ય શાળાની સમાપન વિધિ વિશ્વ માતૃભાષા દિવસે સંપન્ન થઈ હતી આ શુભ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ મહેશભાઈ ધીમર કે જેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના બાળ નાટ્યકાર છે .
તેમણે નાટક અંગેની સુંદર માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી અને આંતરરાષ્ટ્રીય માતૃભાષાની ઉત્પત્તિ કેવી રીતે અને ક્યારે થઈ તે અંગેની સચોટ માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. આચાર્યા શ્રીમતિ દીપિકાબહેન પટેલે ગુજરાતી ભાષાનું મહત્વ, સંરક્ષણ ,સંવર્ધન અને જતન માટેના પ્રયત્નો કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આચાર્યા શ્રી દીપિકાબહેન પટેલ અને મહેશભાઈ ધીમરે કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી અભિનંદન પાઠવી પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. શાળાના ગુજરાતી વિભાગ દ્વારા જલેબીથી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું.શાળાના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ અને મંત્રીશ્રી રમેશભાઈ પટેલે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આટલો સરસ કાર્યક્રમ યોજવા બદલ પ્રોત્સાહન પૂરું પાડી અભિનંદન પાઠવ્યા હતા. ખરેખર આજના દિવસને સુવર્ણ સંભારણું બનાવવા માટે મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં એ હેતુથી આચાર્યશ્રી દીપિકા બહેન દેસાઈ અને મહેશભાઈ ધીમર તેમજ દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના હસ્તાક્ષર ગુજરાતી ભાષામાં કર્યા હતા.
