
ગેસ લીકેજ અને આગ જેવી કટોકટીના સંજોગોમાં આપાતકાલીન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આજે પાંખરીમાં મોકડ્રીલ કરવામાં આવશે.


તાપી.
જિલ્લા વહીવટી તંત્ર તેમજ આઈ.ઓસી.એલ અને ઓ.એન.જી.સી જેવા કોર્પોરેશનના સહયોગથી આજે કટોકટી સમય માટે કરવામાં આવતી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કટોકટીના સમયે તથા ગેસ પાઈપલાઈન લીકેજના કારણે આગ જેવા આકસ્મિક બનાવો બને તેવા સંજોગોમાં નિયંત્રણ કરવાના આશયથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ લેવલ-૩ પ્રકારની હશે જે સૌથી ઉચ્ચ પ્રકારની મોકડ્રીલ માનવામાં આવે છે. ક્રુડ ઓઈલ અને ફિનિશ્ડ પેટ્રોલીયમ ઉત્પાદનોના સપ્લાય માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન આપણા તાપી જીલ્લામાંથી પસાર થાય છે જેની માલિકી ઓ.એન.જી.સી ધરાવે છે. કોયલી-અહમદપુર- સોલાપુર રૂટની પાઈપલાઈન તાપી જીલ્લામાંથી પસાર થાય છે. આપણા જીલ્લામાંથી પસાર થતી પાઈપલાઈનમાં લીકેજ જેવી કટોકટીના સમયે કેવા પગલા લેવા તે માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ ઉચ્છલના પાંખરી ખાતે આજે તા.૫/૦૨/૨૦૨૫ના રોજ આયોજિત કરવામાં આવી છે. આ મોકડ્રીલને લઈને ઓ.એન.જી.સીના પમ્પીંગ સ્ટેશન ગુણસદા, તા. સોનગઢ ખાતે ગત રોજ એક મીટીંગ રાખવામાં આવી હતી. ડીઝાસ્ટર કન્ટ્રોલ અને ઓ.એન.જી.સીના સંયુક્ત ઉપક્રમે આ મીટીંગ રાખવામાં આવી હતી. આ મીટીંગમાં પોલીસ, સુરક્ષા એજન્સી, ફાયર ફાઈટર, સર્ચ ટીમ, કન્ટ્રોલ ટીમ જેવી અલગ અલગ એજન્સીઓની ટુકડીઓ તૈનાત રહેશે તેમજ તેની પ્રોસીજર પ્રમાણે શરૂઆતથી અંત સુધી કાર્ય કરશે. આ આયોજન તમામ એજન્સીઓના સંકલનથી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીના સમયે એક બીજાનો સહયોગ મેળવી શકાય.
