
બારડોલી ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ નો પ્રારંભ
(કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બનતા ખેતી ના અભિગમમાં આમૂલ પરિવર્તન આવ્યું છે: ધારાસભ્ય ઈશ્વર પરમાર )


રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે ખાતેથી ધારાસભ્ય ઈશ્વર પરમારે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂક્યો હતો.
મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓનાલાભાર્થીઓને સાધન સહાય તેમજ યોજનાકીય મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે તત્કાલીનમુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવ યોજવાની શરૂઆત કરી હતી. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે જરૂરી માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ બાબતે સમજ આપવામાં આવે છે.
તેમણે વધુ માં કહ્યું કે કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બન્યા છે અને ખેતી કરવાના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. સરકારની વિવિધ કૃષિ-બાગાયતી યોજનાઓનો લાભ મેળવીને જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. તેમણે ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો, અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
કૃષિ વિભાગ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લું મૂકી મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઇ પ્રદર્શિત કૃષિ પાકો, આધુનિક ખેતઓજારો, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ સાધનોની કામગીરીથી વાકેફ થયા હતા.
કાર્યક્રમ માં બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પ્રસારિત કરાયુ હતું.
