
બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી-૨૦૨૪


માંડવી ખાતેથી આદિવાસી અમૃત્તકુંભ મહોત્સવ રથયાત્રા-૨૦૨૪ને પ્રસ્થાન કરાવતા આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
આદિજાતિના સર્વાંગી વિકાસ માટે બીજ વડાપ્રધાનશ્ નરેન્દ્રભાઈ મોદીએ રોપ્યા છે
કેન્દ્ર સરકારે આઝાદીના જંગમાં આગવું યોગદાન આપનાર બિરસા મુંડાને દેશના ઈતિહાસમાં આદરભર્યું સ્થાન અપાવ્યું છે
કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારની પ્રેરણાથી સુરત જિલ્લાના માંડવીથી આદિવાસી અમૃત્તકુંભ મહોત્સવ રથયાત્રાને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વિવિધ ગામોમાં આ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. અને સરકારની વિવિધ પહેલો, યોજનાઓથી માહિતગાર કરી લોકો ૧૦૦ ટકા લાભાન્વિત તેમજ જાગૃત થાય એવા પ્રયાસો કરાશે.
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ કે, આદિવાસી પ્રજા પ્રકૃતિ પૂજક છે. વિપક્ષ ભાગલા પાડી રાજ કરવાની નીતિ કરી રહ્યા છે, તેમને જાકારો આપીએ. , કેટલાક લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે તે લોકોને ઓળખવાની જરૂર છે. ગ્રામ પંચાયતના સરપંચના પદથી લઈને ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિના પદ પર આદિવાસી સમાજ જોવા મળી રહ્યો છે.
શ્રી હળપતિએ કહ્યું કે, આદિવાસી સમાજના વિકાસ માટે સૌથી મોટુ બજેટ રાજ્ય સરકારે આપ્યું છે. પેસા એક્ટ હેઠળ જમીનના હકો અને અને આવાસો આપી આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ સરકારે કર્યુ છે. બિરસા મુંડાના ત્યાગ અને બલિદાનનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું કે, અંગ્રેજો સામેની લડતમાં ભગવાન બિરસા મુંડાએ ‘‘જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે’’નો નારો આપ્યો હતો જ્યારે આપણા વડાપ્રધાન એ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો છે. કેન્દ્ર સરકારે આઝાદીના જંગમાં આગવું યોગદાન આપનાર બિરસા મુંડાને દેશના ઈતિહાસમાં આદરભર્યું સ્થાન અપાવ્યું છે. વડાપ્રધાન એ આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે રૂ. ૮૦ હજાર કરોડ ફાળવ્યા છે. આદિજાતિના સર્વાંગી વિકાસ માટે બીજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રોપ્યા છે.
મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના કલાકારો દ્વારા ભવાડા નૃત્ય, તુર નૃત્ય, મેવાસી નૃત્ય, કાહાડી નૃત્ય, ઘૈરેયા નૃત્ય અને ડોબરૂ નૃત્ય રજૂ કરાયા હતા. મંત્રીએ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી પૂજન કર્યું હતું. યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજના તેમજ આદિવાસી સમાજની ખાદ્ય સામગ્રી અને ઔષધિઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અગ્રણી રોહિતભાઈ પટેલ, પ્રાયોજના વહીવટદાર નિધિ સિવાચ, તાલુકાના હોદ્દેદારો, સંગઠનના કાર્યકરો, અગ્રણીઓ અને આદિવાસી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-
